top of page
Search

મનુષ્ય જન્મની દુર્લભતા વિશે જૈન ધર્મ શું કહે છે?

જૈન ધર્મમાં મનુષ્યજન્મની દુર્લભતા પર વિશેષ ભાર મુકાયો છે. ‘ઉત્તરાધ્યયન’ સૂત્રમાં કહેવાયું છે : ‘માણુસ્સં ખલુ સુદુલ્લહં’ - મનુષ્યજન્મ ખરેખર દુર્લભ છે. નરક, તર્યિંચ, મનુષ્ય અને દેવગતિ એ ચારે ગતિમાં મનુષ્યગતિની શ્રેષ્ઠતા દર્શાવતાં કહેવાયું છે કે ‘માણુસત્તં ભવે મૂલં, લાભો દેવગઈ ભવે મૂલેચ્છેએણ જીવાણં, ણરગતિરિખત્તણં ધ્રુવં.’ અર્થાત મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવો એ મૂળ ધનની રક્ષા છે. દેવત્વ પ્રાપ્ત કરવું એ લાભ સ્વરૂપ છે અને નરક તથા તર્યિંચ ગતિમાં જન્મ લેવો એ મૂળ ધન ખોઈ નાખવા બરાબર છે.


જૈન ધર્મની માન્યતા પ્રમાણે ચાર ગતિના જીવો જ્યાં સુધી પાંચમી ગતિ મોક્ષગતિ પામતા નથી ત્યાં સુધી એક ગતિમાંથી બીજી ગતિમાં સતત પરિભ્રમણ કર્યા કરે છે. નરક ગતિના જીવો પોતાનું આયુષ્ય પૂરું કરીને તરત નરક ગતિમાં ઉત્પન્ન થઈ શકતા નથી તેમ તેઓ નરક ગતિમાંથી સીધા દેવગતિમાં પણ ઉત્પન્ન થઈ શકતા નથી. નરક ગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્ય ગતિમાં કે તર્યિંચ ગતિમાં ઉત્પન્ન થાય છે. તર્યિંચ ગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને ફરીથી તર્યિંચ ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે અને મનુષ્ય ગતિમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. તર્યિંચ ગતિના મંતી પંચેન્દ્રિય જીવો દેવગતિમાં કે નરકગતિમાં જઈ શકે છે, પરંતુ તર્યિંચ ગતિના જીવો સીધા મોક્ષગતિમાં જઈ શકતા નથી. મનુષ્યગતિના જીવો પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને ફરીથી મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી શકે છે. અથવા તર્યિંચ, દેવ કે નરકગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. મનુષ્ય જન્મ જ એક એવી ગતિ છે કે જ્યાંથી મોક્ષગતિમાં જઈ શકાય છે. મનુષ્યગતિ કરતાં દેવગતિ ચડિયાતી હોવા છતાં મોક્ષપ્રાપ્તિ માત્ર મનુષ્યગતિ દ્વારા જ શક્ય હોવાથી દેવો પણ મનુષ્યગતિમાં જન્મ લેવા ઇચ્છતા હોય છે.


‘ઉત્તરાધ્યન સૂત્ર’માં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે - ચત્તારી પરમંગાણી દુલાહાણીહ જંતૂણો, માણુસત્તં સુઈ સદ્ધા સંજમમ્મિય વીરિયં અર્થાત્ આ સંસારમાં પ્રાણીમાત્રને ચાર વસ્તુઓ મળવી અતિ દુર્લભ છે. (૧) મનુષ્યજન્મ, (૨) ધર્મશ્રવણ, (૩) ધર્મમાં શ્રદ્ધા અને (૪) સંયમમાં ર્વીય અથવા સંયમ આચરવા માટેની શક્તિ.

મહાપુણ્ય યોગે મનુષ્યપણું પ્રાપ્ત થાય તો પણ જે ધર્મવચનો સાંભળીને માણસો તપ, ક્ષમા અને અહિંસાના સંસ્કારો ચિત્તમાં સ્થિર કરી શકે એવાં ધર્મવચનો સાંભળવાનો યોગ ઘણો દુર્લભ છે. કદાચ જીવોને તારનારા એવા ધર્મવચનો સાંભળવાનો અવસર મળે તો પણ એમાં શ્રદ્ધા થવી ઘણી દુર્લભ છે. કદાચ જીવને ધર્મવચનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય તો પણ એમાં એ પ્રમાણે વર્તવાનો સંયમ, યોગ્ય પુરુષાર્થ કરવાનું ભારે દુર્લભ છે. એથી જ જે જીવો મનુષ્યપણું પામી સત્ય ધર્મનું શ્રવણ કરી એમાં શ્રદ્ધાન્વિત થઈ સંયમ માર્ગનું આચરણ સ્વીકારે છે એ જીવ પાણીથી સિંચાયેલ અãગ્નની પેઠે નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે.


જૈન ધર્મમાં મનુષ્ય જન્મને દસ દૃષ્ટાંતે દુર્લભ કહેવામાં આવ્યો છે. મનુષ્ય જન્મની દુર્લભતા બતાવવા માટે (૧) ચૂલો, (૨) પાશક, (૩) ધાન્ય, (૪) ધૂત, (૫) રત્ન, (૬) સ્વપ્ન, (૭) ચક્ર, (૮) ચર્મ, (૯) યુગ (ધૂસરું), (૧૦) પરમાણુ એમ દસ દૃષ્ટાંતો આપવામાં આવ્યાં છે. આ દરેક દૃષ્ટાંતમાં વાસ્તવિક રીતે લગભગ અશક્ય કે અસંભવિત વસ્તુની વાત બતાવવામાં આવી છે અને સમજાવવામાં આવ્યું છે કે એવી વસ્તુ પણ ક્યારેક શક્ય કે સંભવિત બને છે, પણ મનુષ્ય ગતિમાં જન્મ પ્રાપ્ત કરવો એટલો સુલભ તો નથી જ.


જે જીવ સરળ હોય એ શુદ્ધિ મેળવી શકે છે. જે જીવ શુદ્ધ હોય એના ચિત્તમાં ધર્મ ટકી શકે છે, જેમ ઘીથી છંટાયેલ અગ્નિ વિશેષ પ્રકાશમાન થઈ શકે છે એમ ધર્મમય મનુષ્ય વિશેષ પ્રકાશમાન થઈ પોતાનું કલ્યાણ સાધી શકે. આમ મનુષ્ય જન્મની દુર્લભતા સમજી સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના દ્વારા સકલ કર્મનો ક્ષય કરી મંગલ મુક્તિને પ્રાપ્ત કરવા આપણે સૌ સમર્થ બનીએ એ જ અભ્યર્થના.

Recent Posts

See All

4 Digambar Diksha at Hiran Magri Sector - Udaipur

उदयपुर - राजस्थान आदिनाथ दिगम्बर चेरिटेबल ट्रस्ट द्वारा 15 अगस्त को आचार्य वैराग्यनंदी व आचार्य सुंदर सागर महाराज के सानिध्य में हिरन मगरी सेक्टर 11 स्थित संभवनाथ कॉम्पलेक्स भव्य जेनेश्वरी दीक्षा समार

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page