Search

સર્વવિરતી સાધુ ધર્મનું અને દેશવિરતી ગૃહસ્થ ધર્મનું લક્ષણ

જે વિચાર, વાણી કે વર્તનથી આત્મા દુર્ગતિમાં જતો અટકે અને સદ્ગતિમાં સ્થિર થાય એને ધર્મ કહેવામાં આવે છે. આ વિશ્વમાં જે કંઈ શુભ કે સારું દેખાય છે એ ધર્મનો જ પ્રતાપ છે અને જે કંઈ અશુભ કે ખરાબ દેખાય એ અધર્મનો પ્રતાપ છે એમ જૈન શાસ્ત્રકારો કહે છે. સૂતા, ઉઠતા, બેસતા, હરતા-ફરતા સર્વ સ્થળે ધર્મ જ મનુષ્યનું રક્ષણ કરે છે. એથી સુજ્ઞ મનુષ્યોએ ધર્મારાધનામાં જ હંમેશાં મગ્ન રહેવું જોઈએ. આ સંસારમાં મનુષ્યજન્મ, ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા અને સંયમ એ ચાર વસ્તુને દુર્લભ માનવામાં આવી છે. વળી સદ્ભાગી મનુષ્યને આર્ય દેશ, ઉત્તમ કુળ, પાંચે ઇન્દ્રિયોની પૂર્ણતા, ર્દીઘ આયુષ્ય અને સંયોગો પણ અનુકુળ હોય તો ધર્મનું આરાધન વિશેષ પ્રકારે કરવું જોઈએ. મનુષ્યભવ પ્રાપ્ત થવા છતાં જેઓ ધર્મનું આરાધન કરતા નથી અને સમગ્ર જીવન મોજશોખ, ભોગવિલાસમાં પૂર્ણ કરે છે તે ચિંતામણિ રત્ન સમા આ માનવજીવનને ફેંકી દે છે એમ કહી શકાય.


જૈન શાસ્ત્રોમાં ધર્મના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે (૧) સાધુ ધર્મ, (૨) ગૃહસ્થ ધર્મ. સાધુ ધર્મનું મુખ્ય લક્ષણ સર્વવિરતી એટલે કે સવાર઼્શ ત્યાગનું અને ગૃહસ્થ ધર્મનું મુખ્ય લક્ષણ દેશવિરતી એટલે કે આંશિક ત્યાગનું છે. અસાર એવા આ સંસારથી વૈરાગ્ય પામી જે મનુષ્ય સદ્ગુરુનું શરણ સ્વીકારે છે અને સદ્ગુરુ પણ તે જીવની યોગ્યતા જાણી સર્વવિરતીરૂપ પંચ મહાવ્રત ધારણ કરાવે છે તેને યતિ, અણગાર, મુનિ, ભિક્ષુ કે નિર્ગ્રંથ સાધુ કહેવામાં આવે છે. શ્રમણ ધર્મમાં પાંચ મહાવ્રતોનું પાલન આવશ્યક છે. આ પાંચ મહાવ્રતો આ પ્રમાણે છે: (૧) પ્રાણાતિપાત વિરમણ-અહિંસા, (૨) મૃષાવાદ વિરમણ-સત્ય, (૩) અદત્તાદાન વિરમણ-અસ્તેય, (૪) મૈથુન વિરમણ-બ્રહ્મચર્ય અને (૫) પરિગ્રહ વિરમણ-અપરિગ્રહ. આ પાંચ મહાવ્રતોની સાથે જૈન સાધુઓ છઠ્ઠું રાત્રીભોજન વિરમણ વ્રત પણ લે છે અને સંધ્યાકાળથી માંડીને બીજા દિવસના સૂર્યોદય સુધી તેઓ કોઈ પણ પ્રકારના આહાર-પાણીનો ઉપયોગ કરતા નથી.


જૈન સાધુઓને આ પાંચ મહાવ્રતો ઉપરાંત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ ચારિત્રનું ઘડતર કરવામાં  સહાય કરે છે. પાંચ સમિતિ આ પ્રમાણે છે: (૧) ઇર્યા સમિતિ - જીવોની રક્ષા માટે જતા-આવતા જોઈને ચાલવું. (૨) ભાષા સમિતિ - પાપવાળું વચન ન બોલવું, (૩) એષણા સમિતિ - ૪૨ દોષ ન લાગે એવા આહાર-પાણી લેવા, (૪) આદાનભંડમત નિક્ખેવણા સમિતિ વસ્ત્ર - પાત્રાદિ કોઈ પણ વસ્તુ પૂંજી-પ્રમાજી લેવી-મૂકવી અને (૫) પારિષ્ઠાપનિકા સમિતિ - મળ, મૂત્ર, બïળખો વગેરે જીવ વગરની ભૂમિમાં પરઠવા. ત્રણ ગુપ્તિ આ પ્રકારે છે: (૧) મન ગુપ્તિ - કલ્પનાના તંરગોને રોકી, મનને સમભાવમાં સ્થિર કરવું, (૨) વચન ગુપ્તિ : મૌન રહેવું અને (૩) કાય ગુપ્તિ - શરીરને પાપ પ્રવૃત્તિથી રોકવું.


અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાંચ મહાવ્રતોનું સાધુ જેટલું કઠિન પાલન કરી શકે એટલું કઠિન પાલન ગૃહસ્થો કરી શકે નહીં. એટલા માટે ગૃહસ્થ ધર્મને લક્ષમાં રાખી એ મહાવ્રતોના પાલનમાં ગૃહસ્થો માટે થોડીક છૂટ મૂકવામાં આવી છે. ગૃહસ્થ ધર્મમાં બાર વ્રતો પર વિશેષ ભાર મૂક્યો છે. આ બાર વ્રતો આ પ્રમાણે છે. (૧) સ્થૂળ પ્રાણિપાત વિરમણ એટલે કોઈ પણ નિરાપરાધી ત્રસ જીવને મારવો નહીં. ત્રસ જીવોની બને એટલી જયણા કરવી. (૨) સ્થૂળ મૃષાવાદ વિરમણ એટલે કન્યા, ગાય, ભૂમિ વગેરે સંબંધી ખોટું કહીને કોઈને છેતરવા નહીં, કોઈની થાપણ ઓળવવી નહીં તથા કોર્ટ-કચેરીમાં ખોટી સાક્ષી આપવી નહીં. (૩) સ્થૂળ અદત્તાદાન વિરમણ એટલે ખાતર પાડીને, ધાડ પાડીને, તાળાં તોડીને કે કોઈ બીજી રીતે પરાઈ વસ્તુ પોતાની કરવી નહીં. (૪) સ્વદારા સંતોષ પરસ્ત્રી ગમન વિરમણ એટલે પોતાની સ્ત્રીથી સંતોષ પામવો અને બીજાની સ્ત્રીનું સેવન કરવું નહીં. (૫) પરિગ્રહ પરિમાણ એટલે ધન, ધાન્ય, ક્ષેત્ર, મકાન, સોનું, રૂપુ, નોકર-ચાકર, ઢોર-ઢાંખર અમુક પ્રમાણથી વધારે રાખવા નહીં, (૬) દિક્ પરિમાણ એટલે વેપાર, વ્યવહાર ઇત્યાદી માટે પ્રવાસ કરવાનો હોય તો જુદી-જુદી દિશામાં કેટલી હદ સુધી જવું એની મર્યાદા બાંધી લેવી, (૭)ભોગોપભોગ પરિમાણ એટલે ધન, ધાન્ય, ઘર, જમીન, ખેતર, પશુ, નોકર, ચીજવસ્તુઓ ઇત્યાદિ ભોગ અને ઉપભોગની વસ્તુના ઉપયોગનું પ્રમાણ નક્કી કરી લેવું, (૮) અનર્થ દંડ વિરમણ એટલે કોઈને શસ્ત્રો ભેટ આપવા, પ્રાણીઓ લડાવવા ઇત્યાદિ કાર્યો કે જેમાં સ્થૂળ-સૂક્ષ્મ હિંસા રહેલી હોય એવાં અનાવશ્યક કાર્યો ન કરવા, (૯) સામાયિક વ્રત એટલે ૪૮ મિનિટના નિશ્ચિંત સમય માટે એક આસન પર બેસીને, સર્વ પાપક્રિયાઓનો ત્યાગ કરી તથા ઇન્દ્રિયો અને મનને સંયમમાં રાખી પરમાત્માનું ધ્યાન ધરતા કે સ્વાધ્યાય કરતા શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશવું. (૧૦) દેશાવગાસિક વ્રત એટલે અન્ય વ્રતોમાં જે મર્યાદાઓ બાંધી હોય એમાં પણ જ્યાં-જ્યાં અસંયમ જણાતો હોય ત્યાં-ત્યાં સંયમમાં રહેવા માટે મર્યાદાઓ ક્રમે-ક્રમે ઓછી કરતા જવું તે, (૧૧) પૌષધ વ્રત એટલે પર્વના દિવસે ગૃહસ્થના બધા વ્યવહારોનો ત્યાગ કરી મન, વચન અને કાયાને ધાર્મિક ક્રિયામાં પરોવી આખા દિવસ માટે સાધુજીવન સ્વીકારવું તે, (૧૨) અતિથિ સંવિભાગ વ્રત એટલે સાધુ-સાધ્વી અને અન્ય સંયમીઓને અન્ન, વસ્ત્ર ઇત્યાદિનું શ્રદ્ધાપૂર્વક પરમ ભક્તિથી દાન આપવું તે. જે આત્માઓ વિરતિભાવમાં આવેલા નથી એટલે મહાવ્રતો કે અણુવ્રતોનું પાલન કરી શકે એવા નથી, પણ ધર્મ માર્ગનું અનુસરણ કરવાવાળા છે તેમના માટે માર્ગાનુસારીના ૩૫ નિયમો પણ શાસ્ત્રકારોએ બતાવ્યા છે.

Recent Posts

See All

उदयपुर - राजस्थान आदिनाथ दिगम्बर चेरिटेबल ट्रस्ट द्वारा 15 अगस्त को आचार्य वैराग्यनंदी व आचार्य सुंदर सागर महाराज के सानिध्य में हिरन मगरी सेक्टर 11 स्थित संभवनाथ कॉम्पलेक्स भव्य जेनेश्वरी दीक्षा समार