જૈન ધર્મને સમજવો જરા પણ કઠિન નથી. જૈન ધર્મના દેવ, ગુરુ, તત્વ વગેરેને સમજવા એેમાં ઊંડા ઊતરવું પડે. ગીતાર્થ ગુરદેવો પાસે એ માટે વખતોવખત સત્સંગ કરવો પડે. જૈન ધર્મનો આચાર, જૈન ધર્મનું તપ, સાધુ ધર્મનાં પાંચ મહાવ્રતો, શ્રાવક ધર્મનાં બાર વ્રતો, નવપદ, નવતત્વ વગેરેનું રહસ્ય જેવા અનેક વિષયોના અભ્યાસી થવાથી જૈન ધર્મ યથાર્થ રીતે સમજાય તો ખરેખર જીવનનો બેડોપાર થઈ જાય. આજે અહીં ‘કર્મવાદ’ એ વિષય પર રસપ્રદ પ્રશ્નોત્તરી સુજ્ઞ વાચકો માટે પ્રસ્તુત છે.
પ્રશ્ન : કર્મ કોને કહેવાય ?
ઉત્તર : ચાર ગતિમાં ભટકી રહેલો આત્મા મિથ્યાત્વ આદિ કારણોને લીધે કાર્મણ વર્ગણાનો જે સમૂહ ગ્રહણ કરે એને કર્મ કહેવાય.
પ્રશ્ન : કાર્મણ વર્ગણાનો અર્થ શું?
ઉત્તર : કર્મરૂપે પરિણમવા યોગ્ય પુદ્ગલની એક પ્રકારની વર્ગણા.
પ્રશ્ન : પુદ્ગલની વર્ગણા કેટલા પ્રકારની છે?
ઉત્તર : પુદ્ગલની વર્ગણા અનેક પ્રકારની છે. એમાં ઔહારિક, વૈક્રિય, આહારક, તેજસ, ભાષા, શ્વાસોચ્છ્વાસ, મન અને કર્મણ એ નામોવાળી સોળ વર્ગણાઓ વિશેષ પ્રકારે સમજવા યોગ્ય છે.
પ્રશ્ન : કર્મથી શું થાય છે?
ઉત્તર : કર્મનાં શુભ કે અશુભ ફળ ભોગવવા માટે આત્માને ચોર્યાસી લાખ જીવયોનિમાં જુદા- જુદા સ્વરૂપે જન્મ ધારણ કરવો પડે છે અને એમાં વિવિધ પ્રકારનાં દુ:ખોનો અનુભવ થાય છે.
પ્રશ્ન : કર્મ કેટલા પ્રકારનાં હોય છે?
ઉત્તર : કર્મ આઠ પ્રકારનાં છે. (૧) જ્ઞાનાવરણીય કર્મ (૨) દર્શનાવરણીય કર્મ (૩) વેદનીય કર્મ (૪) મોહનીય કર્મ (૫) આયુ કર્મ (૬) નામ કર્મ (૭) ગૌત્ર કર્મ અને (૮) અંતરાય કર્મ.
પ્રશ્ન : વરણીય કર્મ કોને કહેવાય?
ઉત્તર : જે કર્મ વડે આત્માના જ્ઞાન ગુણનું આવરણ થાય એને જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. આ કર્મ આંખના પાટા જેવું છે. આંખમાં જોવાની શક્તિ હોવા છતાં પાટાને લીધે એ બરાબર જોઈ શકતી નથી. તેમ આત્મા અનંત જ્ઞાનવાળો હોવા છતાં જ્ઞાનાવરણીય કર્મને લીધે બરાબર જાણી શકતો નથી.
પ્રશ્ન : દર્શનાવરણીય કર્મ કોને કહેવાય?
ઉત્તર : જે કર્મ વડે આત્માની દર્શનશક્તિનું આવરણ થાય એેને દર્શનાવરણીય કર્મ કહેવાય છે. આ કર્મ રાજાના પ્રતિહારી જેવું છે. પ્રતિહારી જેમ રાજાનું દર્શન કરવામાં અટકાયત કરે છે તેમ દર્શનાવરણીય કર્મ આત્માને વસ્તુ સ્વરૂપનું દર્શન કરતાં અટકાવે છે.
પ્રશ્ન : વેદનીય કર્મ કોને કહેવાય?
ઉત્તર : જે કર્મને લીધે આત્માને શાતા અને અશાતાનો અનુભવ થાય એને વેદનીય કર્મ કહેવાય છે. આ કર્મ મધથી ખરડાયેલી તલવારની ધાર જેવું છે. મધથી ખરડાયેલી તલવારની ધાર ચાટતાં જેમ શાતા ઊપજે છે અને જીભ કપાઈ જતાં જેમ અશાતા ઊપજે છે એમ આત્મા મૂળ સ્વરૂપે આનંદધન હોવા છતાં વેદનીય કર્મને લીધે શાતા અને અશાતાનો અનુભવ કરે છે.
પ્રશ્ન : આયુ કર્મ કોને કહેવાય?
ઉત્તર : જે કર્મને લીધે આત્માને એક શરીરમાં અમુક સમય સુધી રહેવું પડે એને આયુ કર્મ કહેવાય છે. આ કર્મ જેલ જેવું છે. જેલમાં પુરાયેલો મનુષ્ય જેમ મુદત પૂરી થયા વિના એમાંથી છૂટી શકતો નથી એમ આયુ કર્મને લીધે આત્મા અમુક સમય પૂરો કર્યા વિના ધારણ કરેલા દેહમાંથી છૂટી શકતો નથી.
પ્રશ્ન : નામ કર્મ કોને કહેવાય?
ઉત્તર : જે કર્મને લીધે આત્મા મૂર્તપણાને પામે અને શુભ-અશુભ શરીરને ધારણ કરે એેને નામકર્મ કહેવાય. આ કર્મ ચિતારા જેવું છે. ચિતારો જેમ જુદી-જુદી જાતનાં ચિત્રોનું નિર્માણ કરે છે તેમ નામ કર્મ આત્માને ધારણ કરવાના સારાનરસા, જુદા-જુદા રૂપરંગ, અવરોધો, યશ-અપયશ, સૌભાગ્ય-દુર્ભાગ્ય વગેરેનું નિર્માણ કરે છે.
પ્રશ્ન : ગૌત્ર કર્મ કોને કહેવાય?
ઉત્તર : જે કર્મને લીધે આત્માને ઊંચા-નીચાપણું પ્રાપ્ત થાય છે એને ગૌત્રકર્મ કહેવાય છે. આ કર્મ કુંભાર જેવું છે. કુંભાર જેમ માટીના પીંડામાંથી નાનાં અને મોટાં વાસણો ઉતારે છે એમ આ કર્મને લીધે જીવને ઊંચા કુળમાં કે નીચા કુળમાં જન્મ ધારણ કરવો પડે છે.
પ્રશ્ન : અંતરાય કર્મ કોને કહેવાય છે?
ઉત્તર : જે કર્મને લીધે આત્માની શક્તિમાં અંતરાય થાય એને અંતરાય કર્મ કહેવાય છે. આ કર્મ રાજાના ભંડારી જેવું છે. રાજાની આજ્ઞા થઈ હોય છતાં ભંડારીના આપ્યા વિના જેમ ભંડારમાં રહેલો માલ મળતો નથી એમ અંતરાય કર્મને લીધે આત્માની દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યરૂપી શક્તિનો પૂર્ણપણે વિકાસ થતો નથી.
Comments