જૈન ધર્મમાં વિનય ગુણનો ભારે મહિમા છે. જૈન શાસ્ત્રકારોએ તો ત્યાં સુધી કહ્યું છે કે ‘વિનયમૂલો ધમ્મો’ એટલે કે ધર્મનું મૂળ વિનય છે. આપણા ધર્મગ્રંથો કહે છે કે અધ્યાત્મક્ષેત્રમાં વિનયરૂપી ગુણ હોય તો જ મોક્ષફળ પ્રાપ્ત કરી શકાય. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ‘વ્યાત્રિશદ્ધયાત્રિંશિકા’માં કહ્યું છે : ‘કર્મણા દ્રાગ વિનય-નાદ્વિનયો વિદુષાં મત:, અપવર્ગ ફલીઢસ્ય મૂલં ધર્મતરોરયમ્.’ અર્થાત્ વિનય કર્મોનું વિસર્જન કરે છે, જેના પર મોક્ષરૂપી ફળ ઊગે છે એવા ધર્મરૂપી વૃક્ષનું એ મૂળ છે.
જૈનદર્શનમાં (૧) દ્રવ્ય વિનય અને (૨) ભાવ વિનય એવા બે પ્રકારો બતાવ્યા છે. દ્રવ્ય વિનયને બાહ્ય વિનય અને ભાવ વિનયને અભ્યંતર વિનય તરીકે ઓળખાવ્યા છે. લોકવ્યવહારમાં ઉપયોગી એવા વિનયને લૌકિક વિનય અને મોક્ષમાર્ગની સાધનામાં અનિવાર્ય એવા વિનયને લોકોત્તર વિનય તરીકે ઓળખવામાં આવ્યા છે. બાહ્ય અને અભ્યંતર એવા બે પ્રકારના ચાર ભાંગા બતાવવામાં આવ્યા છે. (૧) બાહ્ય વિનય હોય પણ અભ્યંતર વિનય ન પણ હોય, (૨) અભ્યંતર વિનય હોય પણ બાહ્ય વિનય ન હોય, (૩) બાહ્ય વિનય હોય અને અભ્યંતર વિનય પણ હોય, (૪) બાહ્ય વિનય પણ ન હોય અને અભ્યંતર વિનય પણ ન હોય.
‘ઉપદેશ પ્રાસાદ’માં વિનયને (૧) જ્ઞાન વિનય, (૨) દર્શન વિનય, (૩) ચારિત્ર વિનય, (૪) ઉપચાર વિનય એમ ચાર પ્રકારે બતાવ્યો છે. ‘વિશેષાવશ્યકભાષ્ય’માં વિનયના (૧) લોકોપચાર વિનય, (૨) અર્થ નિમિત્ત વિનય, (૩) કામહેતુ વિનય, (૪) ભય વિનય અને (૫) મોક્ષ વિનય એમ પાંચ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. ‘ઔપયાતિકસૂત્ર’માં વિનયને (૧) જ્ઞાન વિનય, (૨) દર્શન વિનય, (૩) ચારિત્ર વિનય, (૪) મન વિનય, (૫) વચન વિનય, (૬) કાય વિનય અને (૭) લોકોપચાર વિનય એમ સાત પ્રકાર બતાવવામાં આવ્યા છે. ‘સમકિતના સડસઠ બોલ’ કૃતિમાં વિનયના (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય, (૫) સાધુ એ પંચપરમેષ્ઠી પ્રત્યેના પાંચ વિનય તથા (૬) ચૈત્ય એટલે જિનપ્રતિમા (૭) ધર્મ એટલે સમાધિ દસ પ્રકારનો મતિ ધર્મ, (૮) પ્રવચન એટલે સંઘ, (૯) દર્શન એટલે સમકિત અને (૧૦) શ્રુત એટલે શાસ્ત્ર સિદ્ધાંતો એમ દસ પ્રકારના વિનય બતાવવામાં આવ્યા છે. કેટલાકે દસને બદલે તેર પ્રકારના વિનય પણ બતાવ્યા છે. (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) કુલ, (૪) ગણ, (૫) સંઘ, (૬) ક્રિયા, (૭) ધર્મ, (૮) જ્ઞાન, (૯) જ્ઞાની, (૧૦) આચાર્ય, (૧૧) ઉપાધ્યાય, (૧૨) સ્થવિર અને (૧૩) ગણિ.
આમ વિનયના જે જુદા-જુદા પ્રકારો બતાવવામાં આવ્યા છે એમાં સાધનાની દૃષ્ટિએ મહત્વના જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર વિનય અને ઉપચાર વિનય છે. અર્થ વિનય, કામ વિનય અને ભય વિનય તો સ્પષ્ટ રીતે લૌકિક પ્રકારના છે. જૈન મહર્ષિઓ કહે છે કે જ્યાં નમસ્કારનો ભાવ છે ત્યાં અવશ્ય વિનય છે. નવકાર મંત્રમાં નમસ્કારનો ભાવ છે. નવકાર મંત્રના પ્રત્યેક પદનો પ્રારંભ ‘નમો’ શબ્દથી થાય છે. એક જ વખત એમાં શબ્દ પ્રયોજતા પ્રત્યેક પદ સાથે એમાં ‘નમો’ શબ્દ જોડાયેલો છે. આરાધક જીવોનો નમસ્કાર ભાવ, વિનય ગુણ સુદૃઢ થાય એ માટે પુન: પુન: ‘નમો’ પદ એમાં દર્શાવેલું છે. નવકાર મંત્રમાં પદને, પદમાં રહેલ ગુણને નમસ્કાર છે. આ રીતે નવકાર મંત્રમાં ‘વિનય’નો મહિમા કરવામાં આવ્યો છે.
જૈન શાસ્ત્રકારોએ અવિનયી જીવો માટે મોક્ષનો અધિકાર છે જ નહીં એવું વારંવાર પ્રતિપાદિત કર્યું છે. વિનયનો ગુણ આત્મામાં પ્રગટ્યા વિના મોક્ષના અધિકારી થવું શક્ય જ નથી. એટલે જ ‘વિનય વડો સંસાર’એ ઉક્તિ યથાર્થ ઠરે છે. પ્રાથમિક દશામાં વિનય ગુણથી મોક્ષની યોગ્યતા પ્રાપ્ત થઈ શકે છે. વિનય ગુણને સારી રીતે ખીલવવાથી જ તીર્થંકર નામકર્મ બંધાય છે.
એક વિનય ગુણથી જીવ ઉત્તરોત્તર કઈ રીતે વિકાસ સાધી શકે છે અને મોક્ષગતિ સુધી પહોંચી શકે એનું સ્પષ્ટીકરણ ઉમાસ્વાતિ મહારાજે ‘પ્રશમરતિ’માં કર્યું છે. તેઓ કહે છે કે વિનયનું ફળ ગુરુશૂશ્રુષા છે, ગુરુશૂશ્રુષાનું ફળ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિનું ફળ આસ્રવનિરોધ છે, આસ્રવનિરોધનું ફળ તપોબળ છે. તપોબળનું ફળ નિર્જરા છે, એનાથી ક્રિયાની નિવૃત્તિ થાય છે. ક્રિયાનિવૃત્તિથી અયોગિત્વ થાય છે, અયોગિત્વથી ભવપરંપરાનો ક્ષય થાય છે અને ભવપરંપરાના ક્ષયથી મોક્ષપ્રાપ્તિનો માર્ગ સુલભ બને છે. આ રીતે વિનય ગુણ સર્વ જીવોના કલ્યાણનું ભાજન ગણી શકાય.
Comments