શ્રાવક જૈન ધર્મનો મહત્વનો પારિભાષિક શબ્દ છે. શ્રી દેવેન્દ્રસૂરિજીએ ‘શ્રાદ્ધદિનકૃત્ય’માં ‘શ્રાવક’ શબ્દનો અર્થ સમજાવતાં કહ્યું છે કે :
શ્રદ્ધાલુતા શ્રાતિ જિનેન્દ્રને ધનાને પાત્રસુ તપત્યનાસ્તમ્ | કરોતિ પુણ્યાનિ સુસાધુસેવના દતોપિ તં શ્રાવક માહુરુત્તમા: ||
અર્થાત્ જિનેશ્વર ભગવંતમાં શ્રદ્ધા રાખનાર, જિન શાસન માટે નિરંતર ધન વહાવનાર અને સાધુજનોની સેવા દ્વારા પુણ્યનું ઉપાર્જન કરનારને જ શ્રાવક કહ્યો છે. વળી કહ્યું છે કે ‘શ્રુણોતિ ઇતિ શ્રાવક:’ જે સાંભળે તેનું નામ જ શ્રાવક. પ્રશ્ન એ થાય છે કે સાંભળવું તો શું સાંભળવું? જગતમાં સાંભળવાનું ઘણું છે એનું સ્પષ્ટીકરણ કરતાં આપણા શાસ્ત્રકારો જણાવે છે કે -
સંપતદંસણાઈ, પઈદિયહં જય જણા સુણેઈ ય | સામાયારિ પરમં જો ખલુ તં સાવમ બિંતિ ||
અર્થાત્ જેણે સમ્યગ્ દર્શન પ્રાપ્ત કર્યું છે એવી જે કોઈ વ્યક્તિ સાધુજન પાસે સાધુની સામાચારી સાંભળે છે તે નિયથી શ્રાવક કહેવાય છે.
શ્રાવકની વિશેષ વ્યાખ્યા બાંધતાં આપણા શાસ્ત્રકારો કહે છે કે અતિચાર વિનાનાં બાર વ્રતોનું આચરણ કરનાર અને ભક્તિભાવપૂર્વક જિન પ્રતિમા, જિન મંદિર, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સાત ક્ષેત્રમાં પોતાની સંપત્તિનો સદ્વ્યય કરનાર તેમ જ દીન, દુ:ખી, પીડિત, રોગી વગેરેને કરુણાપૂર્વક સહાય કરનાર શ્રાવક કહેવાય છે.
શ્રાવકધર્મનું પાલન કરવા માટે જૈન ધર્મગ્રંથોમાં શ્રાવકનાં બાર વ્રતો બતાવવામાં આવ્યાં છે. આ બાર વ્રતો આ પ્રમાણે છે.
(૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત. આ વ્રતમાં અપરાધ વિનાના ત્રસ જીવને ઇરાદાપૂર્વક મારવો નહીં અને સ્થાવર જીવોની શક્ય જયણા એવો સંકલ્પ કરવાનો છે.
(૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત. આ વ્રતમાં કન્યા, ગાય, ભૂમિ સંબંધી અર્થાત્ માનવ, પ્રાણી, જર-જમીન આદિ કોઈ પણ બાબતમાં જુઠ્ઠું બોલી કોઈને છેતરવા નહીં. પારકી થાપણ ઓળખવી નહીં અને કોઈ બાબતમાં ખોટી સાક્ષી ભરવી નહીં એવો સંકલ્પ કરવાનો છે.
(૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત. આ વ્રતમાં થાપણ મૂકેલી કોઈ પણ વસ્તુ, પડી ગયેલી, ભુલાયેલી કે ખોવાયેલી પારકી વસ્તુ પણ માલિકની રજા સિવાય લેવી નહીં એવો સંકલ્પ કરવાનો છે.
(૪) સ્વદારાસંતોષ પરસ્ત્રીગમન વિરમણ વ્રત. આ વ્રતમાં પોતાની પરણેલી સ્ત્રી સિવાય જગતની તમામ સ્ત્રીને માતા સમાન કે બહેન સમાન ગણવી.
(૫) પરિગ્રહ પરિમાણ વ્રત. આ વ્રતમાં ધન-ધાન્યાદિ નવ પ્રકારનો પરિગ્રહ મર્યાદિત પ્રમાણમાં રાખવો અને એમાં અધિક મૂર્છા રાખવી નહીં
(૬) દિક્પરિમાણવ્રત. આ વ્રતમાં સંસાર વ્યવહારના કામ વિશે દરેક દિશામાં જરૂરિયાત મુજબ જવાનું મોકળું રાખી બાકીનાં ક્ષેત્રોમાં જવાનો ત્યાગ કરવો.
(૭) ભોગોપભોગ પરિમાણ વ્રત. આ વ્રતમાં ભોગમાં અને ઉપભોગમાં લેવાતી વસ્તુઓની મર્યાદા નક્કી કરી બાકીનાનો ત્યાગ કરવો. આ વ્રતથી મહાઆરંભ અને હિંસાજનક પાપ વ્યાપારોનો ત્યાગ થાય છે.
(૮) અનર્થ-દંડ વિરમણ વ્રત. આ વ્રતમાં જીવન જીવવામાં જરૂરી ન હોય એવી નકામી, દુષ્ટ પ્રવૃત્તિઓનો શક્ય પરિત્યાગ કરવો. જેવી કે ખોટી ચિંતારૂપ-આર્ત, રૌદ્ર ધ્યાન, બીન સંબંધીને હિંસામય વ્યાપાર આદિની સલાહ, ગમે તે માગનારને હિંસક ઉપકરણો છરી, શસ્ત્ર, ઘંટી વગેરે આપવાં, ખેલ-જુગાર આદિ કુતૂહલથી જોવા, કામક્રીડા કરવી વગેરે પ્રમાદાચરણ સેવવું. એ બધી અશુભ પ્રવૃત્તિઓનો આ વ્રતથી ત્યાગ થાય છે.
(૯) સામાયિક વ્રત. આ વ્રતમાં પાપમય સંસારની પ્રવૃત્તિઓમાંથી ફારેગ થવું એને સામાયિક કહે છે. સામાયિક એટલે ૪૮ મિનિટ સુધી મન-વચન-કાયાથી સર્વ વ્યાપારોનો ત્યાગ કરીને ધર્મધ્યાન એટલે કે સ્વાધ્યાય અને ધ્યાનમાં રહેવું એ.
(૧૦) દેશાવગાશિક વ્રત. દિક્પરિમાણ અને ભોગોપભોગ પરિમાણ વ્રતમાં જે નિયમો-મર્યાદાઓ રાખેલી હોય એમાં અતિ સંકોચ કરી એક દિવસ પૂરતો વિશિષ્ટ અભિગ્રહ કરી દસ સામાયિક કરવાં, ૧૪ નિયમો ધારવા એને દેશાવગાશિક વ્રત કહે છે.
(૧૧) પૌષધોપવાસ વ્રત. આ વ્રતમાં પર્વતિથિએ આહાર, શરીર સત્કાર અને ગૃહવ્યાપારનો ત્યાગ કરવો. અબ્રહ્મને ત્યજવું. ગુરુ નિશ્રાએ ધર્મનું પોષણ થાય એ રીતે ચાર પ્રહર કે આઠ પ્રહરની ધર્મ પ્રવૃત્તિઓ કરવી.
(૧૨) અતિથિ સંવિભાગ વ્રત. આ વ્રતમાં ઉપવાસના પારણે એકાસણું કરી અતિથિ એવા મુનિવરને સૂઝતું વહોરાવી તેમણે વહોરેલી વસ્તુઓથી એકાસણું કરવું.
આ બાર વ્રતોમાં પહેલાં ૧થી પાંચનો અણુવ્રત, પછીનાં ૬થી ૮ને ગુણવ્રત અને છેલ્લાં ૯થી ૧૨ને શિક્ષાવ્રત તરીકે ઓળખવામાં આવે છે. અણુવ્રત એટલે મહાવ્રતની અપેક્ષાએ નાનાં વ્રત. ગુણવ્રત એટલે ગુણ કરનારાં વ્રત અને શિક્ષાવ્રત એટલે વારંવાર સેવવા યોગ્ય વ્રત. ધર્મનું આચરણ કરનારા ભલે સર્વવિરતિધર સાધુ હોય કે દેશવિરતિધર શ્રાવક હોય, બન્નેના મૂળમાં માર્ગાનુસારીના ૩૫ ગુણોને પણ આવશ્યક માનવામાં આવ્યા છે.
Comments