top of page
Search

નવકાર મંત્રની નવ વિશેષતાઓને તમે જાણો છો?

Updated: Jun 9, 2019


જૈન ધર્મમાં નવકાર મંત્રનો અચિંત્ય મહિમા દર્શાવવામાં આવ્યો છે. વિશ્વના સમસ્ત મંત્રોમાં નવકાર મંત્ર શ્રેષ્ઠ અને અજોડ છે. એનો પ્રતાપ અને પ્રભાવ અપરંપાર છે. આજે અહીં નવકાર મંત્રમાં જે નવ વિશેષતાઓ જોવા મળે છે એનું નિરુપણ કરતાં આનંદ અનુભવું છું. નવકાર મંત્ર જૈનોનો વિરલ અને વિશિષ્ટ મંત્ર છે. અન્ય મંત્રો કરતાં નવકાર મંત્ર જે-જે વિશેષતાઓ ધરાવે છે એની ચર્ચા આ લેખમાં પ્રસ્તુત છે.


નવકાર મંત્રની પહેલી વિશેષતા એ છે કે એ લોકોત્તર મંત્ર છે. જે મંત્રનો ઉપયોગ સામાન્ય રીતે વશીકરણ, આકર્ષણ, ઉચ્ચાટન, વિદ્વેષણ, સ્તંભન, મારણ, રોગનિવારણ કે ધનપ્રાપ્તિ માટે થાય છે એ લૌકિક મંત્ર છે; પરંતુ આ નવકાર મંત્રનો ઉપયોગ આત્મશુદ્ધિ અને મોક્ષપ્રાપ્તિ માટે થાય ત્યારે એને લોકોત્તર મંત્ર કહે છે. નવકાર મંત્રને લોકોત્તર મંત્ર કહેવાનું કારણ એ જ છે કે આ મંત્ર અરિહંત જેવા લોકોત્તર મહાપુરુષ વડે કહેવાયો છે અને ગણધર જેવા મહાપુરુષો વડે સંકલના પામેલો છે. તેથી જ નવકાર મંત્રની લોકોત્તરતા વિશે જરા પણ સંદેહ રહેતો નથી.


નવકાર મંત્રની બીજી વિશેષતા એ છે કે અન્ય મંત્રોની આરાધના કરવાથી ઘણા પ્રયત્નોએ એ ફલદાયી થાય છે, પરંતુ નવકાર મંત્ર તો નિષ્કામ ભાવે જપવા છતાં એ અલ્પ પ્રયાસે ફળદાયી નીવડે છે અને સાધકની મનોકામના પૂર્ણ કરે છે.


નવકાર મંત્રની ત્રીજી વિશેષતા એ છે કે અન્ય મંત્રોમાં જેમની સાધના કરવાની છે તે દેવી-દેવતાઓ વિશિષ્ટ શક્તિશાળી હોવા છતાં આખરે તો સંસારી, સરાગી આત્માઓ જ છે. એટલે તેઓ રાગ, દ્વેષ, સ્પૃહા વગેરેથી મુક્ત જ હોય છે. પરંતુ નવકાર મંત્ર વડે જેની આરાધના આપણે કરીએ છીએ તે તો પંચપરમેષ્ઠી, વિતરાગી, નિ:સ્પૃહી પુણ્યાત્મા જ છે. તેમની અચિંત્ય શક્તિ આગળ એ બધાં જ દેવી-દેવતાઓની શક્તિ કોઈ વિસાતમાં નથી. નવકાર મંત્ર અનુપમ શક્તિશાળી હોવાનાં અગણિત કારણો પૈકીનું એક કારણ એ છે કે એના અધિષ્ઠાતાઓની પરમ વિશુદ્ધિને કારણે કે સરાગીની ગમેતેટલી શક્તિ હોય તો પણ પંચપરમેષ્ઠી ભગવંતોની અચિંત્ય શક્તિમત્તામાં તેઓ માત્ર બિન્દુ સમાન ગણી શકાય.


નવકાર મંત્રની ચોથી વિશેષતા એ છે કે અન્ય મંત્રોમાં કોઈ ને કોઈ દેવ એનો અધિષ્ઠાયક હોય છે અને તે વશ કે પ્રસન્ન થાય ત્યારે જ એ મંત્ર સિદ્ધ થયો ગણાય છે. પરંતુ નવકાર મંત્રનો કોઈ અધિષ્ઠાયક દેવ નથી. ઊલટું સમ્યક્ત્વધારી અનેક દેવીદેવતાઓ તેમના સેવક થઈને રહેલા છે. અને અનન્ય ભાવે સેવા કરનાર આરાધકોના તેઓ સર્વ મનોરથ પૂર્ણ કરે છે. આથી સિદ્ધ થાય છે કે કોઈ દેવી-દેવતાઓની શક્તિના કારણે નવકાર મંત્ર શક્તિશાળી કે પ્રભાવસંપન્ન નથી, પણ મહામંત્ર નવકારની શક્તિ અને પ્રભાવ જ એટલાં જબ્બર છે કે દેવોને પણ તેમના સેવક બનીને રહેવું પડે છે.


પાંચમી વિશેષતા એ છે કે અન્ય મંત્રો અનુગ્રહ-નિગ્રહ, લાભ-હાનિ ઉભય માટે ઉપયોગમાં આવે છે; પરંતુ નવકાર મંત્રથી કોઈને હાનિ કરી શકાતી નથી. આ મહામંત્રથી તો કેવળ લાભ જ થઈ શકે છે. લોકોત્તર વસ્તુનું આકર્ષણ એ જ મહામંત્રની પાંચમી વિશેષતા છે.


છઠ્ઠી વિશેષતા એ છે કે અન્ય મંત્રો ઉચ્ચારણમાં કઠિન, ક્લિષ્ટ અને ગૂઢાર્થવાળા હોય છે. જ્યારે નવકાર મંત્ર ઉચ્ચારણમાં એકદમ સરળ છે, એનો અર્થ પણ સ્પષ્ટ છે. તેથી આબાલવૃદ્ધ એને સરળતાથી બોલી શકે છે એટલું જ નહીં, એનો અર્થ પણ સરળતાથી સમજી શકે છે.


સાતમી વિશેષતા એ છે કે નવકાર મંત્રમાં ઓમકાર, હીંકાર, અર્હં વગેરે શક્તિશાળી બીજમંત્રો છુપાયેલા છે. નવકાર મંત્ર જ સર્વ મંત્રોનું ઉત્પત્તિસ્થાન છે એમ આપણા શાસ્ત્રકારોનું કથન છે. ‘પ્રવચન સારોદ્ધાર’ વૃત્તિમાં પણ ‘સર્વમંત્રરત્નાનામુત્પત્યાકરસ્ય’ એમ કહીને આ વસ્તુને સાધકો સમક્ષ સૂચિત કરવામાં આવી છે.


આઠમી વિશેષતા એ છે કે અન્ય મંત્રોમાં ‘નમો’ કે ‘નમ:’ પદ આગળ કે પાછળ એક અથવા બે વાર આવતું હોય છે, પણ નવકાર મંત્રમાં ‘નમો’ પદ પાંચ વાર આવે છે. આ એની આઠમી વિશેષતા છે. આ ‘નમો’ પદ ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ વિનયનું મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ મન અને આત્માની શુદ્ધિ કરનારું અને તંત્રશાસ્ત્રની દૃષ્ટિએ શાંતિક પૌષ્ટિક ક્રિયાનો સંકેત આપનારું છે. એનાથી સર્વ ઉપદ્રવો શમી જાય છે, ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે.


નવમી વિશેષતા એ છે કે આ મહામંત્રનું ભાવપૂર્ણ ઉચ્ચારણ કરતાં આપણાં ૬૮ તીર્થોની યાત્રા થઈ જાય છે. આ મહામંત્રનો એક-એક અક્ષર એક-એક ર્તીથ બરાબર છે. એ રીતે આ નવકાર મંત્રની આરાધના કરતાં-કરતાં સાથે ૬ તીર્થોની યાત્રાનો લાભ પણ મળી શકે છે. આમ નવકાર મંત્રની ઉપરોક્ત નવ વિશેષતાઓ છે. આ મહામંત્ર અધમાધમ જીવોના કાનમાં પડે તો એની દુર્ગતિ અટકી શકે છે. યાવત્ ક્રૂર તર્યિંચો પણ એના શ્રવણમાત્રથી લઘુ કર્મી બની ભવસાગર તરી જાય છે. આમ નવકાર મંત્રનો આપણા સૌ પર મહા ઉપકાર છે. તેથી એના પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા રાખી એનું નિત્ય સ્મરણ કરવું એ પ્રત્યેક જીવ માટે પરમ હિતકારી છે.

Recent Posts

See All

4 Digambar Diksha at Hiran Magri Sector - Udaipur

उदयपुर - राजस्थान आदिनाथ दिगम्बर चेरिटेबल ट्रस्ट द्वारा 15 अगस्त को आचार्य वैराग्यनंदी व आचार्य सुंदर सागर महाराज के सानिध्य में हिरन मगरी सेक्टर 11 स्थित संभवनाथ कॉम्पलेक्स भव्य जेनेश्वरी दीक्षा समार

Comentarios

Obtuvo 0 de 5 estrellas.
Aún no hay calificaciones

Agrega una calificación
bottom of page