top of page
Search

નવકારમંત્રની ગ્રહણવિધિને તમે જાણો છો?


કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવી હોય તો એ કાર્યનો સૌપ્રથમ બરાબર સમજીને પછી એને સિદ્ધ કરવા પૂરો પરિશ્રમ લેવો જોઈએ. કોઈ પણ ક્રિયા સવિશુદ્ધ વિધિથી થાય તો જ એનું ફળ મળવાનું છે. જૈન ધર્મમાં જેમ પરમાત્માની પૂજાની વિધિ છે, સામાયિક પ્રતિક્રમણની વિધિ છે એમ નવકારમંત્રને જીવનમાં આત્મસાત્ કરવાની, નવકારમંત્રની આરાધના કરવાની અને નવકારમંત્રને વિધિસહ ગ્રહણ કરવાની વિધિ પણ છે. નવકારમંત્ર ગ્રહણ કરવાની આ વિધિનું પણ યથાર્થ પાઠન કરવામાં આવે તો એની અનેકાનેક સિદ્ધિઓ સાધકને આપોઆપ આવીને મળે છે. આ માટે શરત એ જ છે કે નવકારમંત્ર પ્રત્યે સંપૂર્ણ સમર્પિત ભાવ, એના પરની પૂર્ણ શ્રદ્ધા અને સર્વજીવના કલ્યાણની ઉત્કૃષ્ટ ભાવના સાધકના હૃદયમાં સતત વહેતી હોવી જરૂરી છે.


નવકારમંત્રની યથાર્થ આરાધનાનું પ્રથમ પગથિયું છે ‘નવકારમંત્ર ગ્રહણવિધિ’. આપણાં માતા-પિતા અને વડીલો પાસે આપણે નવકારમંત્ર વારંવાર શ્રવણ કર્યો છે, એના મહિમાને પણ જાણ્યો છે અને એને કંઠસ્થ પણ કરી લીધો છે; પરંતુ એક મંત્ર તરીકે એને સિદ્ધ કરવો હોય તો સદ્ગુરુ પાસે એને વિધિસહ ગ્રહણ કરવો જોઈએ અને એની ગ્રહણવિધિ પૂર્ણ થયા બાદ જ એની સાધનામાં પ્રવૃત્ત થવું જોઈએ. આપણા શાસ્ત્રકારો કહે છે કે ‘ભવેદ વીર્યવંતી વિદ્યા, ગુરુમુખ સમુદ્રભવા’ અર્થાત્ ગુરુના મુખેથી નીકળેલી વિદ્યા વીર્યવંતી હોય છે. તાત્પર્ય એ જ કે એનું સામર્થ્ય ઘણું હોય છે અને એ વિશિષ્ટ ફળ આપનારું હોય છે.


‘મહાનિશિથ સૂત્ર’માં પંચ મંગલ મહાશ્રુત સ્કંધરૂપ નવકારમંત્રના વિનિયોપધાનનું સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે. એ પરથી નવકાર ગ્રહણવિધિના માર્ગ પર સવિશેષ પ્રકાશ પડે છે.


નવકારમંત્ર ગ્રહણ કરવાનો દિવસ એવો પસંદ કરવો જોઈએ જ્યારે તિથિ, કરણ, મુહૂર્ત, યોગ અને લગ્ન પ્રશસ્ત હોય અને ચંદ્રબળ અનુકૂળ હોય. આવા શુભ મુહૂર્તે કરેલું કાર્ય અવશ્ય સિદ્ધિને વરે છે.


નવકારમંત્ર ગ્રહણ એક પ્રકારની પ્રવજ્યા છે તેથી એની વિધિ શુભ, પવિત્ર અને સ્વચ્છ સ્થાનમાં જ થવી જોઈએ. આવાં શુભ સ્થાનોમાં જિન મંદિર, ઉપાશ્રય, જ્ઞાનમંદિર, વનરાજીથી લહેરાતું લીલુંછમ ખેતર, અનેક જાતનાં ફૂલો, ફળો, વનસ્પતિથી ભરેલો સુંદર બગીચો, વનરાજીથી ઘેરાયેલું મનને મોહિત કરનારું સુંદર જળાશય-સરોવર ઇત્યાદિનો સમાવેશ થાય છે.


નવકારમંત્ર ગ્રહણવિધિના સ્થળે સૌપ્રથમ નંદીની સ્થાપના થવી જોઈએ અથવા તો ર્તીથંકર ભગવાનની મનમોહક મંગલમૂર્તિ એક સિંહાસન પર પધરાવવી જોઈએ. એ પવિત્ર જગ્યાએ ઘીનો દીપક પ્રગટાવી એને ધૂપ વડે સુવાસિત કરવો જોઈએ અને એ જગ્યાએ આસોપાલવનું તોરણ બાંધવું જોઈએ.


નવકારમંત્ર ગ્રહણવિધિના દિવસે સાધકે પરમાત્માની પૂજા-સેવા, ભક્તિ વગેરે નિત્યકર્મ કરી, માતા-પિતા-વડીલોને પ્રણામ કરી, ઉચિત વેશભૂષા ધારણ કરી મંત્ર ગ્રહણવિધિના સ્થાને આવવું જોઈએ.


નવકારમંત્ર ગ્રહણવિધિના સ્થાને ઉલ્લાસભેર પહોંચ્યા પછી અનંતોપકારી પરમાત્માને અને સમયજ્ઞ, સુદૃઢ ચારિત્ર્યગુણવાળા અને શાસ્ત્રાભ્યાસી એવા ગુરુનું સતત સ્મરણ કરીને તેમને ત્રણ વાર ભાવથી પંચાંગ પ્રણિપાત કરીને ક્રિયામાં સાવધાન થવું જરૂરી છે.


નવકારમંત્ર ગ્રહણવિધિ સમયે કુળમદ, નીતિમદ, બળમદ, રૂપમદ, તપમદ, ઋષિમદ, વિદ્યામદ અને લોભમદ એમ આઠ પ્રકારના મદનો-અહંકારનો ત્યાગ કરીને, આશંકારહિત બનીને શ્રદ્ધા, સંવેગ અને શુભ વિચારોથી આત્માને અતિ ઉલ્લાસિત બનાવવો જોઈએ.


નવકારમંત્ર આલોક કે પરલૌકિક સુખો મેળવવા માટે નહીં, પણ પોતાના આત્મકલ્યાણ માટે જ ગ્રહણ કરી રહ્યો છું એવી ભાવના સતત ભાવવી જોઈએ.


નવકારમંત્ર ગ્રહણવિધિના પવિત્ર દિવસે ભાવમંગલની ભાવના ભાવતા સાધકે ઉપવાસનું તપ કરવું જોઈએ. ઉપવાસની શક્તિ ન હોય તો આયંબિલ કે એકાસણાનું તપ અવશ્ય કરવું જોઈએ.


એ પછી ગુરુને પંચાગ પ્રણિપાત કરીને બે હાથ જોડીને વિનયવત મસ્તકે આ પ્રાર્થના કરવી જોઈએ : હે પ્રભુ! આપને મારા પ્રિકરણ શુદ્ધ પ્રણામ. આપની સદૈવ કૃપા ચાહું છું. સંસારસમુદ્રને તરવા માટે આપ નૌકા સમાન છો. સકલાગમ, રહસ્યભૂત, ત્રિકાલ મહિમાવંત, અચિંત્ય પ્રભાવશાળી એવા નવકારમંત્રનું હે પ્રભુ! મને દાન કરો! મને દાન કરો!

Recent Posts

See All

4 Digambar Diksha at Hiran Magri Sector - Udaipur

उदयपुर - राजस्थान आदिनाथ दिगम्बर चेरिटेबल ट्रस्ट द्वारा 15 अगस्त को आचार्य वैराग्यनंदी व आचार्य सुंदर सागर महाराज के सानिध्य में हिरन मगरी सेक्टर 11 स्थित संभवनाथ कॉम्पलेक्स भव्य जेनेश्वरी दीक्षा समार

Yorumlar

5 üzerinden 0 yıldız
Henüz hiç puanlama yok

Puanlama ekleyin
bottom of page