ભારત સંતો અને મહંતોની પવિત્ર ભૂમિ છે. અહીં યુગે-યુગે એવી મહાન વિભૂતિઓ થઈ છે જેમણે ધર્મ અને સંસ્કૃતિની મશાલ સતત પ્રજ્વલિત રાખી છે. અઢારમી સદીમાં થયેલા શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ જૈન શ્રમણ પરંપરાના મહાવિદ્વાન સાધુ હતા. તેમનો જન્મ બિકાનેરમાં વિ. સં. ૧૭૪૬માં ઓસવાલ ગોત્રમાં થયો હતો. પિતા તુલસીદાસ અને માતા ધનબાઈના ઉત્તમ ધર્મ-સંસ્કારનો વારસો તેમને મળ્યો હતો. વિ. સં. ૧૭૫૬માં તેઓ ખતરગચ્છીય મુનિ રાજસાગર ઉપાયાય પાસે દીક્ષા લઈ દીપચંદ્રજી પાઠકના શિષ્ય બન્યા હતા. તેમણે આગમિક દાર્શનિક ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કોષ, અલંકારાદિના તેઓ પ્રખર અભ્યાસી હતા. તેઓ શીઘ્ર કવિ હતા. તેમની કવિતાનો વિષય ભક્તિ, વૈરાગ્ય, તત્વજ્ઞાન અને વિશેષત: અધ્યાત્મ હતો. તેમણે સંસ્કૃત, પ્રાકૃત કરતાં ગુજરાતી ભાષામાં અધિક સર્જન કર્યું છે. તેમના ગ્રંથોમાં વિદ્વત્તા કરતાં આત્મજ્ઞાન, ત્યાગ, વૈરાગ્ય અને ભક્તિની પ્રધાનતા જોવા મળે છે. તેઓ પોતે ખતરગચ્છના હોવા છતાંય કદી ગચ્છનો આગ્રહ રાખતા નહોતા. તેમણે ધ્યાનદીપિકા, ચતુષ્પદી, દ્રવ્ય પ્રકાશ, આગમસાર, જ્ઞાનમંજરી, નયચક્ર જેવા અનેક વિદ્વત્તાપૂર્ણ ગ્રંથો લખ્યા છે. ગુજરાતીમાં તેમણે સ્તવન ચોવીશી અને પદોની ઉત્કૃષ્ટ રચના કરી છે. સં. ૧૮૧૨માં તેઓ ઉપાધ્યાય પદથી વિભૂષિત થયા અને એ જ વર્ષે અમદાવાદમાં દોશીવાડાની પોળના ઉપાશ્રયે ૬૬ વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા.
શ્રીમદ્ દેવચંદ્રજીએ ૨૪મા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી વિશે રચેલી તેમની એક ભાવવાહી, તત્વગર્ભિત, અદ્ભુત રચનાનો રસાસ્વાદ સુજ્ઞ વાચકો માટે અહીં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.
તાર હો તાર પ્રભુ! મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજશ લીજે; દાસ અવગુણ ભર્યો જાણી પોતા તણો, દયાનિધિ! દીન પર દયા કીજે... તાર. ૧
હે પ્રભુ! સેવક એવા મને તારો તારો! મારા જેવા સેવકને તારીને એટલો સુયશ લ્યો! જોકે દાસ એવો હું અવગુણથી ભરેલો છું એમ જાણી હે દયાના ભંડાર! દીન એવા મારા પર દયા કરો.
રાગદ્વેષ ભર્યો મોહ વેરી નડ્યો, લોકની રીતમાં ઘણું એ રાતો; ક્રોશવશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવિ રમ્યો, ભમ્યો ભવમાં હિ હું વિષય માતો... તાર. ૨
હે પ્રભુ! હું રાગદ્વેષથી ભરેલો છું, મોહરૂપી શત્રુથી દબાયેલો છું. લોકની રીતમાં ઘણો રક્ત છું. ક્રોધના પરિણામથી ધમધમી રહ્યો છું. શુદ્ધ એવા આત્મ ગુણોમાં તન્મય થયો નથી અને વિષયમાં મગ્ન થઈ હું સંસારમાં ભમી રહ્યો છું. એ માટે હે પ્રભુ મને તારો-તારો.
આદર્યું આચરણ લોકઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો; શુદ્ધ શ્રદ્ધાન વલી આત્મ અવલંબન વિણું તેહવો કાર્ય તેણે કો ન સીધો... તાર. ૩
જે આવશ્યક ક્રિયા આદિ આચરણ તેં પણ લોકોપચારથી વિષગારલ-અન્યોન્યાનુષ્ઠાનથી ભાવધર્મ વિના ઉપચારથી કર્યું, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપક્ષમથી કંઈક શાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યો. શુદ્ધ શ્રદ્ધાન આત્માના સ્વગુણના આલંબન વિના, એ આચરણ અને અભ્યાસથી કોઈ કાર્ય સિદ્ધ ન થયું. એનાથી કોઈ આત્મગુણ પ્રગટ થયો નહીં. તેથી હે પ્રભુ! મને તારો, તારો.
સ્વામીદર્શન સમો નિમિત્ત લહી નિર્મલો, જો ઉપાદાન એ સુચિ ન થાશે, દોષકો વસ્તુનો એહવા ઉદ્યમ તણો, સ્વામી સેવા સાહી નિકટ લાશે... તાર -૪
સ્વામી એવા વિતરાગ પરમાત્માના દર્શન રૂપ નિર્મલ નિમિત્ત પામીને જો આત્માનું મૂલ પરિણતિરૂપ ઉપાદાન પવિત્ર થશે નહીં તો વસ્તુનો, જીવનો જ કોઈ દોષ છે અથવા પોતાના ઉદ્યમની ખામી છે. હવે તો અરિહંત સેવા એ જ નિકટ લાવશે, પરમાત્માની નજીક લાવશે.
સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તેહ પામે, જ્ઞાન-ચારિત્ર-તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ ઝીપી વસે મુક્તિધામે... તાર -૫
જે પ્રાણી સ્વામી એવા અરિહંત પરમાત્માના ગુણોને ઓળખી તેમની સેવા કરે તે પ્રાણી દર્શન સમક્તિ રૂપ-ગુણ પામે અને જ્ઞાન-દર્શનની નિર્મલતા પામે. જ્ઞાન-ચારિત્ર-તપ અને વીર્ય આત્મશક્તિના ઉલ્લાસથી જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય કરી મોક્ષસ્થાનમાં વસે.
જગતવત્સલ મહાવીર જિન વર સુણી, ચિત્ત પ્રભુને શરણ વાસ્યો; તારજો બાપજી! બિરુદ નિજ રાખવા, દાસની સેવા ના રખે જોશો... તા૨-૬
ત્રણ જગતના ધર્મ હિતકારી શ્રી મહાવીર જિનેશ્વરને સાંભળી, ચિત્ત મનને પ્રભુના ચરણને શરણે વસાવ્યું. દીનદયાળ! આ દાસને તારજો! તમારું તારકપણાનું બિરુદ રાખવા માટે આ સેવકની સેવા-ભક્તિ સામે જોશો નહીં.
વિનતી માનજો, શક્તિ એ આપજો, ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ ભાસે, સાધી સાધક દશા સિદ્ધતા અનુભવી, દેવચંદ્ર વિમલ પ્રભુતા પ્રકાશે... તાર -૭
મારી આટલી વિનંતી માનજો. મને એવી શક્તિ આપજો કે જેથી ભાવ-વસ્તુધર્મ સ્યાદ્વાદની રીતે દૂષણરહિત શુદ્ધપણે જાણવામાં આવે. સાધક દશા, ભેદ રત્નત્રયી સાધી, નિપજાવીને જીવ સિદ્ધતાને અનુભવે, ભોગવે. દેવોમાં ચંદ્ર સમાન એવા સિદ્ધ ભગવંત, તેની નિર્મલ પ્રભુતા પ્રકાશે, પ્રગટ કરે એટલે સ્યાદ્વાદ જ્ઞાનથી સાધકતા પ્રગટે, સાધકતાથી સિદ્ધતા પ્રગટે.
Comments