Search

જૈન સાધુ-સંતોના અકસ્માત


વિહાર દરમ્યાન સાધુસંતોના અકસ્માતનો સિલસિલો ચાલુ જ છે. ૨૦ દિવસ પહેલાં ભરૂચના અસુરિયા પાસે ટેમ્પોની ટક્કરથી બે સાધ્વીજીઓ કાળધર્મ પામ્યાના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં દક્ષિણ ભારતના મદુરાઈથી આઠ કિલોમીટર દૂર સમયાનલ્લુર ગામ પાસે થયેલા ઍક્સિડન્ટમાં બે શ્રમણીનાં મૃત્યુ થયાં અને અન્ય બે સાધ્વીજી ઘવાયાં છે.


ગઈ કાલે ખરતર ગચ્છના મણિપ્રભસૂરીશ્વરજીનાં આજ્ઞાનુવર્તી મંજુલાશ્રીજી આદિ પાંચ સાધ્વીજીઓ તામિલનાડુના મદુરાઈથી ચેન્નઈ તરફ વિહાર કરી રહ્યાં હતાં ત્યારે નૅશનલ હાઇવે નંબર-૭ પર બસની જોરદાર ટક્કરથી સાઇડમાં પાર્ક કરાયેલી તૂફાન જીપ ઊંધી વળી જતાં એની ઓથે બેસીને સ્વાધ્યાય કરી રહેલાં પ્રિયદર્શિતાશ્રીજી અને સુદર્શિતાશ્રીજી કચડાઈને કાળધર્મ પામ્યાં હતાં તેમ જ વ્હીલચૅરમાં વિહાર કરતાં મંજુલાશ્રીજીને મૂઢ માર વાગ્યો છે તથા સમ્યકનિધિશ્રીજીનું ડાબા ખભાનું હાડકું તૂટી ગયું છે. મદુરાઈથી લલિતભાઈ કવાડ ‘મિડ-ડે’ને કહે છે, ‘સવારે સાડાચાર વાગ્યે ઉપાશ્રયમાં ખૂબ બફારો થતાં બધાં સાધ્વીજીઓ વિહાર માટે તૈયાર થઈને હાઇવેની ફુટપાથ પાસે વિહાર દરમ્યાન સામાન માટેની તેમની સાથે રહેલી તૂફાન જીપની એક સાઇડમાં બેઠાં હતાં. થોડું અજવાળું થાય એ પછી ચાલવાનું શરૂ કરીએ એવું નક્કી કરીને તેઓ સૌ સાથે સ્વાધ્યાય કરી રહ્યાં હતાં ત્યાં પૂરઝડપે આવતી એક લક્ઝરી બસે તૂફાનને પાછળથી જોરદાર ટક્કર મારતાં જીપ એક સાઇડથી ઊંધી વળી ગઈ હતી જેમાં બે સાધ્વીજીઓ એની નીચે દબાઈ ગયાં હતાં.


અકસ્માત થતાં જ વ્હીલચૅર ચલાવતાં બહેને તરત મદુરાઈના શ્રાવકોને ફોન કર્યા હતા અને અડધા કલાકમાં શ્રાવકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાર બાદ પોલીસ પણ તરત ઘટનાસ્થળે દોડી આવી હતી અને બસ-ડ્રાઇવરને ગિરફ્તાર કર્યો હતો. લક્ઝરી બસ તૂફાનને ટક્કર મારીને હાઇવેના ડિવાઇડર પર ચડી ગઈ હતી. જોકે એ દરમ્યાન બીજી કોઈ કૅઝ્યુઅલ્ટી નહોતી થઈ. ઈજાગ્રસ્ત સાધ્વીજીઓને મદુરાઈની વાડામલાઈ હૉસ્પિટલમાં દાખલ કરાયાં છે. મંજુલાશ્રીજી મહારાજની તબિયત સારી છે, પરંતુ સમ્યકનિધિશ્રીજીએ ખભાની સર્જરી કરાવવી પડશે. કાળધર્મ પામેલાં પંચાવન વર્ષનાં પ્રિયદર્શિતાશ્રીજી અને ૪૦ વર્ષનાં સુદર્શિતાશ્રીજીની પાલખી મદુરાઈથી સાંજે પાંચ વાગ્યે નીકળી હતી. મૂળ છત્તીસગઢનાં પ્રિયદર્શિતાશ્રીજીનો દીક્ષાપર્યાય ૨૫ વર્ષનો હતો અને સુદર્શિતાશ્રીજીએ બાવીસ વર્ષ પહેલાં સંયમ ગ્રહણ કર્યો હતો. તેમનું સળંગ આઠમું વર્ષીતપ ચાલી રહ્યું હતું. કોડાઈ કેનાલના જૈન મંદિરમાં પ્રતિષ્ઠા કરાવ્યા બાદ શ્રમણી ભગવંતો ચાતુર્માસ અર્થે ચેન્નઈ જઈ રહ્યાં હતાં.