જૈન ધર્મમાં આત્માના લક્ષણ અને સ્વરૂપના સંબંધમાં અત્યંત સૂક્ષ્મ, ગંભીર અને વ્યાપક વિચારણા કરવામાં આવી છે. જૈન દર્શન અનુસાર આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. ષટ દ્રવ્યોમાં સ્વતંત્ર દ્રવ્ય છે. નવ પદાર્થોમાં પ્રથમ પદાર્થ છે, સપ્ત તત્વમાં પ્રથમ તત્વ છે અને પંચાસ્તિકાયમાં ચતુર્થ અસ્તિકાય છે. જૈન શાસ્ત્રકારોએ સમ્યક્ત્વના ૬૭ બોલ કહ્યા છે. એ આ પ્રમાણે છે : (૧) આત્મા છે, (૨) આત્મા નિત્ય છે, (૩) આત્મા કર્મનો કર્તા છે, (૪) આત્મા કર્મફલનો ભોક્તા છે, (૫) મોક્ષ છે અને (૬) એનો ઉપાય પણ છે. એટલે જે ‘જીવ’ છે એમ માને છે અર્થાત્ આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરી શકે છે તે જ સમ્યક્ત્વને પામી શકે છે.
શ્રીમદ્ રાજચંદ્રે ‘આત્મ સિદ્ધિ શાસ્ત્ર’માં આત્માના સ્વરૂપની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે -
આત્મા છે તે નિત્ય છે,
છે કર્તા નિજ કર્મ,
છે ભોક્તા વળી મોક્ષ છે,
મોક્ષ ઉપાય સુધર્મ,
ષટસ્થાનક સંક્ષેપમાં,
ષડદર્શન પણ તેહ,
સમજાવવા પરમાર્થને,
કહ્યા જ્ઞાનીને એહ
આ સંસારમાં આત્મા એક પ્રવાસી છે. એ અનાદિકાળથી પોતાના કર્માનુસાર ચાર ગતિ અને ચોરાશી લાખ જીવયોનિમાં પરિભ્રમણ કર્યા કરે છે. આ પરિભ્રમણનો અંત ત્યારે જ આવે કે જ્યારે એ મુક્તિને પ્રાપ્ત કરે. આત્મા ક્યારેય પણ જન્મતો નથી એટલે જ એ ‘અજ’ કહેવાય છે. આત્મા કદી પણ નાશ પામતો નથી એટલે અવિનાશી કે અમર કહેવાય છે. એ અરૂપી હોવાથી શસ્ત્રો વડે છેદાતો-ભેદાતો નથી, અગ્નિ વડે બળતો-પ્રજ્વલતો નથી, પાણી વડે ભીંજાતો નથી કે પવન વડે સુકાતો પણ નથી. એ ગમેતેવી કઠિન દીવાલો કે પહાડોને ઓળંગી જાય છે અને એને કોઈ રોકી શકતું નથી. તેથી જ ૧૪ રાજલોકમાં એક છેડાથી ગમે ત્યાં જઈ શકે છે. આત્મા દેહ, ઇન્દ્રિયો, પ્રાણ તથા મનથી ભિન્ન વસ્તુ છે. ‘ભગવત્ ગીતા’માં એટલે જ કહ્યું છે કે જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો તજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ દેહધારી આત્મા જૂનાં શરીરો ત્યજી નવાં શરીરો ધારણ કરે છે.
જૈન દર્શન ઉપરાંત અન્ય દર્શનોએ પણ આત્માના અસ્તિત્વનો સ્વીકાર કર્યો છે. બૌદ્ધ દર્શનમાં આત્માને સ્થાયી નહીં પણ ચેતનાનો પ્રવાહ માને છે. વેદાંત દર્શન આત્માને અબંધ માનતાં કહે છે બ્રહ્મ શુદ્ધ છે, એમાં બંધનો સંભવ નથી. નૈયાવિક તથા વૈશેષિક દર્શન માને છે કે આત્મા એકાંત નિત્ય છે અને સર્વવ્યાપી છે, આત્માના ગુણ આત્માથી ભિન્ન છે. એથી આપણે આત્માના અસ્તિત્વને જાણીએ છીએ. સાંખ્ય દર્શન આત્માને કુટુસ્થ નિત્ય માને છે. એના મતાનુસાર આત્મા સદાસર્વદા એકરૂપ રહે છે. એમાં પરિવર્તન થતું નથી. આત્મા કર્તા નથી, પણ ફïળનો ભોક્તા છે. મીમાંસક દર્શન અનુસાર આત્મા એક છે, પરંતુ દેહની વિવિધતાના કારણે એ અનેક હોય એવું લાગે છે. મનુસ્મૃતિના રચયિતા આચાર્ય મનુ કહે છે કે બધાં જ્ઞાનોમાં આત્મજ્ઞાન જ શ્રેષ્ઠ છે. બધી વિદ્યાઓમાં એ પરાવિદ્યા છે, જેથી માનવને અમૃતની પ્રાપ્તિ થાય છે.
ભગવાન મહાવીરને ગણધર ગૌતમ પ્રશ્ન પૂછે છે કે ‘હે ભગવંત, આત્મા નિત્ય છે કે અનિત્ય?’ ભગવાન મહાવીર ઉત્તર આપતાં કહે છે કે ‘હૈ ગોતમ, આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે.’ ગૌતમ ફરીથી પૂછે છે કે ‘એ કઈ રીતે?’ ભગવાન મહાવીર જવાબ આપતાં સમજાવે છે કે ‘હૈ ગૌતમ, દ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે.’
અર્થાત્ જીવત્વની દૃષ્ટિએ જીવ શાશ્વત છે. પોતાના મૂળ દ્રવ્યના રૂપમાં એની સત્તા ત્રૈમાસિક છે. અતીત કાળમાં જીવ હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે; કારણ કે સત પદાર્થ કદી અસત નથી થતો. આ રીતે દ્રવ્યત: નિત્ય હોવા છતાં પણ જીવ પર્યાપ્ત: અનિત્ય છે. એથી જ પર્યાયની દૃષ્ટિએ એ હંમેશાં પરિવર્તનશીલ છે. જીવ વિવિધ ગતિઓમાં વિભિન્ન અવસ્થાઓમાં પરિવર્તિત થાય છે.
મહાન જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ ‘ષડદર્શન સમ્મુચય’ નામના ગ્રંથમાં ષડદર્શનોનું સ્વરૂપ સમજાવતાં કહ્યું છે કે આ છયે દર્શનોમાં જૈન દર્શન એક એવું દર્શન છે જેમાં સંપૂર્ણપણે, અખંડપણે વસ્તુ અને વસ્તુના સ્વભાવનું યથાર્થ નિરૂપણ છે. બીજાં દર્શનોએ એમ કરવા સ્તુત્ય પ્રયત્નો કર્યા છે તેમ છતાં અખંડ, નિરાબાધ, નિરાકાર જોઈ શકાતું નથી.
Comments